પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10મી ઓગસ્ટ, 2021ના રોજ બપોરે 12:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહોબા ઉત્તર પ્રદેશ ખાતે એલપીજી કનેક્શન આપીને ઉજ્જવલા 2.0 (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના - PMUY) લોન્ચ કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન ઉજ્જવલાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.
ઉજ્જવલા 1.0 થી ઉજ્જવલા 2.0 સુધીની યાત્રા
2016 માં શરૂ કરાયેલ ઉજ્જવલા 1.0 દરમિયાન, BPL પરિવારોની 5 કરોડ મહિલા સભ્યોને LPG કનેક્શન આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, સાત વધુ શ્રેણીઓ (SC/ST, PMAY, AAY, સૌથી પછાત વર્ગો, ચાના બગીચા, વનવાસીઓ, ટાપુઓ) ના મહિલા લાભાર્થીઓનો સમાવેશ કરવા માટે એપ્રિલ 2018 માં યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો. તેમજ 8 કરોડ એલપીજી કનેક્શનનો લક્ષ્યાંક સુધારવામાં આવ્યો હતો. આ લક્ષ્યાંક ઓગસ્ટ 2019માં લક્ષ્યાંકની તારીખથી સાત મહિના આગળ હાંસલ કરવામાં આવ્યો હતો.
નાણાકીય વર્ષ 21-22ના કેન્દ્રીય બજેટમાં, PMUY યોજના હેઠળ વધારાના એક કરોડ એલપીજી કનેક્શનની જોગવાઈની જાહેરાત કરવામાં આવી હતી. આ એક કરોડ વધારાના PMUY કનેક્શન્સ (ઉજ્જવલા 2.0 હેઠળ)નો ઉદ્દેશ્ય એવા ઓછી આવક ધરાવતા પરિવારોને ડિપોઝિટ-ફ્રી એલપીજી કનેક્શન આપવાનો છે જેઓ PMUYના પહેલા તબક્કા હેઠળ આવરી લેવામાં આવ્યા ન હતા.
ડિપોઝિટ ફ્રી એલપીજી કનેક્શનની સાથે, ઉજ્જવલા 2.0 લાભાર્થીઓને પ્રથમ રિફિલ અને હોટપ્લેટ વિના મૂલ્યે પ્રદાન કરશે. ઉપરાંત, નોંધણી પ્રક્રિયામાં ન્યૂનતમ કાગળની જરૂર પડશે. ઉજ્જવલા 2.0 માં, સ્થળાંતર કરનારાઓએ રેશન કાર્ડ અથવા સરનામાંનો પુરાવો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. 'કૌટુંબિક ઘોષણા' અને 'સરનામાના પુરાવા' બંને માટે સ્વ-ઘોષણા પૂરતી હશે. ઉજ્જવલા 2.0 એલપીજીની સાર્વત્રિક પહોંચના વડાપ્રધાનના વિઝનને હાંસલ કરવામાં મદદ કરશે.
આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.